A Momentous Journey
પત્રકારત્વ, લેખન, વ્યવસાય અને સામાજિક કાર્યોમાં દાયકાઓની સફર.
શ્રી ધીરુ પુરોહિત
શ્રી ધીરુ પુરોહિત
પત્રકારત્વ, લેખન અને સામાજિક પહેલોમાં દાયકાઓનો અનુભવ ધરાવતા ધીરુ પુરોહિત અનેક ટીવી ચેનલો પર લાઈવ ચર્ચાઓમાં નિષ્ણાત તરીકે નિયમિત ઉપસ્થિત રહે છે.
એક એવું વ્યક્તિત્વ.. જેના માટે જેટલું લખું એટલું ઓછું છે...
જન્મ ઉપલેટા (જી. રાજકોટ) પંથકના વેણુ નદીના ગામ નિલખા ખાતે અને એજ પંથકના કાથરોટાના પુરોહિત પરિવારમાં ઉછર્યા પછી વેણુ નદીના કાંઠે ઉછરેલા આ વ્યક્તિએ જાણે કે જીવનમાં પણ વેણુનાદ કર્યો હોય તેમ ૧૮ વર્ષની ઉંમરે જ ઘર છોડીને અમદાવાદ ભણવા ચાલ્યા ગયા અને પત્રકારત્વને પોતાની કારકિર્દી બનાવી દીધી.
૧૯૮૧થી જૂનાગઢને પોતાની કર્મભૂમિ બનાવનાર લોકલ ન્યૂઝ પેપરથી કારકિર્દીની શરૂઆત કરી. ગુજરાત સમાચાર જેવા માતબર પેપરમાં રિપોર્ટિંગ કરી ૩૧ વર્ષથી સંદેશ ન્યૂઝ પેપર સાથે જોડાયેલ છે. પત્રકારત્વની દુનિયામાં વર્ષોના સતત ખેડાણ પછી આજે જૂનાગઢમાં ધીરૂ પુરોહિતનું નામ લોકો આદરથી લે છે. જૂનાગઢનાં લોકોનો અવાજ એટલે ધીરૂ પુરોહિત. આ વાતની સાર્થકતા એ છે કે, જૂનાગઢમાં અગ્રગણ્ય લોકોથી લઈને અદનો આદમી પણ ધીરૂ પુરોહિતને સન્માનપૂર્વક નિહાળે છે. અભિયાન અને ચિત્રલેખા જેવાં વિદેશોમાં પણ વંચાતા માતબર સાપ્તાહિકોમાં પણ ધીરૂ પુરોહિતની કોલમ છપાઈ છે.
વર્ષોથી ગીરમાં સિંહની ખાસિયતોનો અભ્યાસ કર્યા બાદ બે વર્ષના અથાગ પ્રયત્નોથી આજે ખૂબ પોપ્યુલર થયેલ 'સાવજ' પુસ્તક તેમણે લખ્યું છે. સાવજ પુસ્તક લખી એક સારા લેખક તરીકે પણ સાબિત થયા છે.
આ ઉપરાંત વાંચન વલોણું જેવી સંસ્થાને જન્મ આપી જૂનાગઢના લોકોને વાંચનથી પ્રેરિત કરવા મહિનામાં બે વખત જૂનાગઢ એગ્રીકલ્ચર ઓડિટોરિયમ ઝોન ખાતે પુસ્તક પરબ કરી લોકોને વાંચતા કરવાનો શ્રેય પણ ધીરૂ પુરોહિતના ફાળે જાય છે.
જાણીતી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં વરિષ્ઠ પત્રકાર તરીકે તેઓ ડિબેટ કરી જૂનાગઢ અને સૌરાષ્ટ્રને વાચા આપી રહ્યા છે.
પરિવાર માટે તેઓ જવાબદાર વડીલ તરીકે પોતાની જવાબદારીઓ બખૂબી નિભાવી રહ્યા છે. દીકરા તરીકે, ભાઈ તરીકે, પતિ તરીકે, અને બે દીકરીઓના પપ્પા તરીકે, પરિવારને એક સૂત્રતામાં બાંધી રાખવા માટે તેમણે તેમનાથી બનતું બધું યોગદાન આપ્યું છે.
ધીરૂ પુરોહિત પરિવારના શ્વાસ સમાન છે, પરિવારના સભ્યો પણ તેમનાં હોવાથી સલામતી અને સુરક્ષિત હોવાની રાહત અનુભવે છે.
— Pratibha Purohitપત્ની
પત્રકારત્વથી લઈને જ્યોતિ પથ શિષ્યવૃત્તિ સુધી — તેમનું દરેક કાર્ય એક જ વિશ્વાસને આગળ વધારે છે: સમાજમાં જ્ઞાન અને શિક્ષણનો પ્રકાશ ફેલાવવો.
પરિવારના શબ્દોમાં
જેમણે તેમને સૌથી નજીકથી જોયા છે, તેમના શબ્દોમાં ધીરુ પુરોહિત.
ધીરૂ પુરોહિત એટલે એ વ્યક્તિત્વ જેમના માટે feminism અને સ્ત્રી સશક્તિકરણ કોઈ આજકાલના નહીં, પણ દશકો જૂના સિદ્ધાંતો છે. એમનો દીકરીઓ માટેનો પ્રેમ, પછી એ ભલે અજાણી વ્યક્તિ હોય, સરાહનીય અને સમાજ માટે પ્રેરણાદાયક છે. પત્રકારત્વના વ્યવસાયમાં એમનો કર્મનિષ્ઠ ફાળો અમૂલ્ય છે અને આવનારી પેઢીઓ માટે પ્રેરક બનશે. ધીરૂભાઈની વન્ય જીવન પ્રત્યેની લાગણી તથા રુચિ તેમના પુસ્તક 'સાવજ' થકી સ્પષ્ટ રૂપે જોવા મળે છે, જેને ગુજરાત સરકાર દ્વારા પણ પ્રશંસા મળી છે.
ધીરુભાઈ એક પ્રામાણિક, નિર્ભય અને સમાજપ્રતિ સમર્પિત પત્રકાર છે. તેઓ કોઈપણ વ્યક્તિની મદદ કરવા માટે દિવસ-રાતનો ભેદ રાખતા નથી. માનવસેવા અને નિઃસ્વાર્થ ભાવના તેમના વ્યક્તિત્વની સૌથી મોટી ઓળખ છે.
તેમના માટે દીકરી માત્ર સંતાન નથી, પરંતુ જીવનનો અમૂલ્ય આશીર્વાદ છે. તેમણે પોતાની બંને દીકરીઓને ખૂબ જ લાડ-પ્યાર, સારા સંસ્કારો અને ઉત્તમ શિક્ષણ સાથે ઉછેરી છે. સૌથી મહત્વની વાત એ છે કે તેમણે પોતાની દીકરીઓની પસંદગી અને ખુશીને સર્વોપરી માની, તેમની મનપસંદ જીવનસાથી સાથે આનંદપૂર્વક તેમના લગ્ન કરાવ્યા છે.
ધીરુભાઈના ગુણો અને તેમના વ્યક્તિત્વ વિશે જેટલું લખીએ એટલું ઓછું પડે. તેમની સરળતા, પ્રામાણિકતા, ઉદારતા અને માનવતા તેમને એક અલગ જ ઓળખ આપે છે. તેઓ ખરેખર એવા વ્યક્તિત્વના ધની છે, જેમના કાર્ય અને વિચારો દરેક માટે પ્રેરણારૂપ છે.
ધીરુ પુરોહિત… મારા પપ્પા. મેં તેમને હંમેશા બે સ્વરૂપમાં જોયા છે—ઘરમાં પ્રેમાળ પિતા તરીકે અને દુનિયામાં સત્યના પક્ષે અડીખમ ઊભા રહી, અન્યાય સામે પોતાની કલમ અને અવાજથી લડતા પત્રકાર તરીકે.
જેટલા પ્રેમાળ પિતા છે, એટલા જ નિડર અને બેબાક પત્રકાર છે. જૂનાગઢમાં રસ્તામાં ચાલતાં-ચાલતાં કોઈ સમસ્યા તેમની નજરે ચડે કે પછી કોઈ વ્યક્તિ પોતાની ફરિયાદ લઈને તેમની પાસે આવે, તો તેઓ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર તેના માટે અવાજ ઉઠાવવા તૈયાર થઈ જાય છે. તેમના માટે પત્રકારત્વ માત્ર એક વ્યવસાય નથી, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી છે.
તેમના કાર્યકાળની વાત કરું તો તેમણે લગભગ દરેક સામાજિક અને રાજકીય વિષયમાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે. પછી ભલે વાત ખરાબ રસ્તાઓની હોય, સામાજિક પ્રશ્નોની હોય, ગુજરાતી ભાષાના જતનની હોય, શિક્ષણની હોય, સામાન્ય માણસને ન્યાય અપાવવાની હોય, કે પછી 'વાંચન વલોણું' જેવી અનોખી પહેલ દ્વારા નિઃશુલ્ક પુસ્તકો લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ હોય, વન્યજીવન માટે પાણીની ટાંકીઓ બનાવવાથી લઈને ગામડાંઓની નજીક ચેકડેમના નિર્માણ સુધીના અનેક પર્યાવરણલક્ષી કાર્યો હોય—આ બધું તેમના કાર્યનો અભિન્ન ભાગ રહ્યું છે.
પરંતુ જો પૂછવામાં આવે કે તેમના હૃદયની સૌથી નજીકના વિષયો કયા રહ્યા છે, તો મારો જવાબ હંમેશા એક જ રહેશે—પુસ્તકો, વન્યજીવન અને દીકરીઓનું શિક્ષણ. તેમનું હંમેશા એક જ માનવું રહ્યું છે કે, "જો સમાજને સાચા અર્થમાં ઊંચો લાવવો હોય, તો દીકરીઓને ભણાવો. એક દીકરી ભણે છે, તો તેની સાથે આખી એક પેઢી આગળ વધે છે."
કદાચ એટલે જ કોઈ પણ દીકરી પોતાની સમસ્યા લઈને તેમની પાસે જાય, તો તેઓ એટલી જ સહજતા, સંવેદના અને પોતાનાપણાથી તેની મદદ કરે છે, જાણે તેમની પોતાની દીકરી જ મુશ્કેલીમાં હોય. મારા માટે આ કોઈ નવાઈની વાત નથી, કારણ કે મેં તેમને હંમેશા દરેક દીકરીમાં પોતાની દીકરીને જ જોતા જોયા છે. કદાચ એટલા માટે જ તેમની કલમમાં જેટલી નિર્ભયતા છે, એટલી જ સંવેદના પણ છે.
સમાજમાં બદલાવ લાવવાની વાતો તો ઘણા લોકો કરે છે, પરંતુ પોતાના સમગ્ર જીવનને જ એ બદલાવ માટે સમર્પિત કરી દેતા લોકો બહુ ઓછા હોય છે. અને એવા લોકોનું જીવંત ઉદાહરણ એટલે પત્રકાર ધીરુભાઈ પુરોહિત.
શ્રી ધીરુભાઈ પુરોહિત મારા માટે માત્ર મારા સસરા જ નથી, પરંતુ પ્રેરણાસ્રોત છે. એક નિર્ભય અને ઉત્કૃષ્ટ પત્રકાર, સમાજ પ્રત્યે સમર્પિત વ્યક્તિત્વ, જરૂરિયાતમંદોની મદદ માટે હંમેશાં તત્પર રહેતા અને પ્રકૃતિ તેમજ વન્યજીવન પ્રત્યે અદભુત પ્રેમ ધરાવતા આવા વ્યક્તિત્વ ભાગ્યે જ જોવા મળે છે. તેમના વ્યક્તિત્વના અનેક પ્રેરણાદાયક પાસાઓમાંથી એક એવો પાસો છે, જેણે મારા જીવન પર સૌથી ઊંડી છાપ છોડી છે—વન્યજીવન પ્રત્યેનો તેમનો અદ્ભુત પ્રેમ.
પહેલી વાર જ્યારે પપ્પા મને બરડાના જંગલમાં સિંહો બતાવવા લઈ ગયા, ત્યારે મેં માત્ર સિંહોને જ નહોતાં જોયા, પરંતુ તેમને જોવા માટેનો પપ્પાનો ઉત્સાહ, વન્યજીવન પ્રત્યેનો તેમનો અપાર પ્રેમ અને પ્રકૃતિ સાથેનો તેમનો જીવંત સંબંધ પણ અનુભવ્યો. જ્યારે મેં પણ એ જ ઉત્સાહ સાથે મારી ખુશી અને જિજ્ઞાસા તેમની સાથે વહેંચી, ત્યારે મને ખુશ જોઈ તેમના ચહેરા પર જે સંતોષ અને આનંદ હતો, તે આજે પણ મારી સૌથી અમૂલ્ય યાદોમાંનો એક છે. કદાચ એ જ દિવસથી વન્યજીવનને જોવાનો મારો દૃષ્ટિકોણ સદાય માટે બદલાઈ ગયો.
પપ્પાનું પુસ્તક "સાવજ" પણ એ જ પ્રેમ અને અનુભવને શબ્દોમાં જીવંત કરી દે છે. આ માત્ર એક પુસ્તક નથી, પરંતુ વન્યજીવનની એવી અદ્ભુત સફર છે, જે વાચકોને પ્રકૃતિ અને વન્યજીવોની દુનિયાની ખૂબ નજીક લઈ જાય છે.
પ્રકૃતિને પ્રેમ કરવાનું શીખવવા, મારા અંદર વન્યજીવન પ્રત્યે જિજ્ઞાસા જગાડવા અને જીવનનો આ અમૂલ્ય અનુભવ આપવા બદલ દિલથી આપનો આભાર, પપ્પા.
મારા મામા નવી વિચારસરણી ધરાવતા વ્યક્તિત્વ છે. તેઓ દૃઢપણે માને છે કે દરેક દીકરીને શિક્ષણ મેળવવાનો સમાન અધિકાર મળવો જોઈએ. જ્યારે પણ દીકરીઓના શિક્ષણની વાત આવે છે, ત્યારે તેઓ હંમેશા તેમના સમર્થનમાં ઊભા રહે છે અને શિક્ષણના મહત્વ પર વિશેષ ભાર મૂકે છે. તેમના મત મુજબ, શિક્ષિત દીકરી માત્ર પોતાના જીવનને જ નહીં, પરંતુ સમગ્ર પરિવાર અને સમાજના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે છે.
કલમ જ્યારે નિષ્ઠા સાથે જોડાય, ત્યારે ઇતિહાસ સર્જાય… અને એ ઇતિહાસનું એક ગૌરવપૂર્ણ નામ છે – ધીરુભાઈ પુરોહિત.
સોરઠ પંથકના પત્રકારત્વમાં ચારથી પાંચ દાયકાની અવિરત સફર દરમિયાન આપે સત્યને કલમની તાકાત બનાવી, નીડરતાને ઓળખ બનાવી અને વિશ્વસનીયતાને જીવનમંત્ર બનાવ્યો છે.
અમારા માટે આપ માત્ર વરિષ્ઠ પત્રકાર નથી; આપ વડીલ છો, માર્ગદર્શક છો અને પિતાતુલ્ય સ્નેહ આપનાર શુભચિંતક છો. આપના અનુભવ, મૂલ્યો અને આશીર્વાદ અમને હંમેશા સાચા માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે.
ઈશ્વર આપને દીર્ઘાયુષ્ય, નિરોગી કાયા, અખૂટ ઊર્જા અને સતત લોકસેવાનું સામર્થ્ય આપે એવી હાર્દિક પ્રાર્થના.
આદરણીય ધીરુભાઈ પુરોહિતને જન્મદિવસની હાર્દિક અને અનંત શુભેચ્છાઓ. 🌹🙏
ધીરુભાઈ પુરોહિત એક એવી વ્યક્તિ છે જેને શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. એમની દીકરીઓ પ્રતિની લાગણી, પ્રેમભાવ અને કરુણા સરાહનીય છે. 'એક દીકરી ભણે તો આખું ઘર ઉજ્જડ થાય' એવી જૂની માનસિકતા સામે તેઓ વર્ષોથી વડીલોને સમજાવતા આવ્યા છે અને મહિલા સશક્તિકરણને ખૂબ જ સમર્થન આપે છે. મેં મારા જીવનમાં આ પ્રયાસો સાથે દીકરીઓને ટેકો આપતો કોઈ પુરુષ જોયો નથી.
અન્ય કાર્યો
શિક્ષણ ઉપરાંત, ધીરુ પુરોહિત વાંચન અને લેખન ક્ષેત્રે પણ સક્રિય છે.
વાંચન વલોણું
૨૦૨૩માં જૂનાગઢમાં શરૂ થયેલી વાંચન વલોણું એ સમાજમાં વાંચનની સંસ્કૃતિને પુનર્જીવિત કરવાની પહેલ છે — પુસ્તક પરબ, પુસ્તક પરિચય અને હરતા ફરતા પુસ્તકાલય જેવા કાર્યક્રમો દ્વારા.
સાવજ
ગીરના અજાણ્યા અને અલભ્ય કિસ્સાઓની રોમાંચક સફર
ગીરના જંગલ અને એશિયાટિક સિંહો વિશેના અજાણ્યા અને દુર્લભ કિસ્સાઓની રોમાંચક સફર કરાવતું આ પુસ્તક ધીરુ પુરોહિત દ્વારા લેખક-સંપાદક તરીકે અને ડૉ. ઋષિરાજ ઉપાધ્યાય દ્વારા સહસંપાદક તરીકે તૈયાર કરવામાં આવ્યું છે.
તસવીર ગેલેરી
ધીરુ પુરોહિતના જીવન, કાર્યક્રમો અને પ્રસંગોની ઝલક.